અયોધ્યાનું કનક મંદિર ગુંજ્યું ‘જય શ્રીરામ’ના નાદથી, સરયૂ સ્નાન અને આરતીના કરો દર્શન None

દેશભરમાં આજે રામનવમી ધામધૂમથી ઉજવાઈ રહી છે. રામ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી છે ત્યારે અયોધ્યાના કનક ભવન મંદિર ખાતે પણ શ્રીરામની ખાસ પૂજા અને આરતી કરવામાં આવી હતી. આ આરતીનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આ ઉપરાંત આજના પવિત્ર દિવસે અયોધ્યા પહોંચેલા ભક્તોએ સવારના સમયે પવિત્ર સરયૂ નદીમાં સ્નાનનો લાભ પણ લીધો હતો. સ્નાનની શરૂઆત સવારે 4 કલાકથી થઈ હતી. આજે દિવસભર અયોધ્યાના કનક મંદિર ખાતે ખાસ પૂજા-અર્ચના કરવામાં આવશે. કનક મંદિરનો ઈતિહાસ ભગવાન રામનો જન્મ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો. શ્રીરામ જન્મ ભૂમિ પર ચાલતાં વિવાદના પગલે અયોધ્યાના રંગરૂપ બદલાયા છે. ત્યારે વર્તમાન સમયમાં શ્રીરામ અને માતા સીતાની પૂજા કનક ભવન મંદિરે કરવામાં આવે છે. આ મંદિર રામ જન્મ ભૂમિથી થોડે દૂર આવેલું છે. આ મંદિરમાં સીતા-રામની આરસની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે રામનવમીની ઉજવણી આ મંદિરમાં ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે પણ અહીં દિવ્ય આરતી અને વિશેષ પૂજા કરવામાં આવી હતી.