રાજકોટ: 6 વર્ષના ભત્રીજાની હત્યા, રહસ્ય ખુલતા દફનાવેલો મૃતદેહ બહાર કઢાયો Rajkot

રાજકોટ:રાજકોટની પૂર્ણિમા સોસાયટીમાં રહેતા ફાલ્ગુનભાઇ મકવાણાના 6 વર્ષના પુત્ર રોહનની 15 દિવસ પહેલાં ઘરની અગાસી પરથી લાશ મળી હતી. પોલીસ તપાસમાં રોહનના સગા મોટાબાપુ જીજ્ઞેશે ભત્રીજાની હત્યા કર્યાનું ખુલ્યું હતું. જીજ્ઞેશે દેણું વધી જતાં લેણદારોની સહાનુભૂતિ મેળવવા માટે અને કોઇ રૂપિયા ન માગે તે માટે ગળું દબાવી ભત્રીજાની હત્યા કરી નાખી હતી. 15 દિવસ પહેલા જ રોહનના મૃતદેહને બેડી ગામ નજીક દફનાવવામાં આવ્યો હતો. આજે(મંગળવારે) પોલીસે ફરીથી પોસ્ટમોર્ટમ માટે રોહનના દફનાવેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો. રોહનની મોઢા પર હાથ રાખી ડૂમો દઇ હત્યા કરાઇ હતી આ બનાવની તપાસ માલવિયાનગર પોલીસે શરૂ કરી હતી. પોલીસે ઘરના તમામ સભ્યોની પૂછપરછ કર્યા બાદ રોહનના સગા મોટાબાપુ જીજ્ઞેશ હરિષભાઇ મકવાણાએ દેણું વધી જતાં લેણદારોની સહાનુભૂતિ મેળવવા હત્યા કર્યાનું સ્પષ્ટ થતા જીજ્ઞેશની ધરપકડ કરી લીધી હતી. જીજ્ઞેશે કબૂલાત પણ આપી હતી કે રોહનની મોઢા પર હાથ રાખી ડૂમો દઇ હત્યા કરી હતી. આ રીતે પોલીસે ઉકેલ્યો હતો ભેદ બે ભાઇઓનો પરિવાર એક જ મકાનમાં ઉપર-નીચે રહેતો હતો. રોહનની લાશ મળ્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર આર. આર. સોલંકી અને ડી-સ્ટાફના પોલીસમેન કૃષ્ણદેવસિંહ અને રણછોડભાઇએ છેલ્લા 10 દિવસ દરમિયાન ફિંગરપ્રિન્ટ નિષ્ણાત અને ડોગ સ્કવોડની મદદ લીધા બાદ એક વાત સ્પષ્ટ થઇ હતી કે મકાનમાં રહેતા 9 સભ્યોને બાદ કરતા અન્ય કોઇ વ્યક્તિ અગાસી પર કે ઘરની અંદર આવ્યું નથી. આથી મહિલા સહિતના તમામ સભ્યોની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. એક બાદ એક વ્યક્તિની પૂછપરછના અંતે છેલ્લે ચાર વ્યક્તિ શંકાના દાયરામાં રહી હતી. ત્યારબાદ ત્રણ, પછી બે અને છેલ્લે એક વ્યક્તિ પર ફોકસ કરવામાં આવ્યું. પોલીસે ત્રીજુ નેત્ર ખોલ્યું અને છેલ્લે જે વ્યક્તિ પર શંકા હતી તે જીજ્ઞેશ મકવાણા કે જે મૃતક રોહનના મોટાબાપુ થાય છે તેણે કબૂલાત આપી દીધી કે મે જ રોહનને મોઢે ડૂમો દઇને મારી નાખ્યો હતો.