રાજસ્થાનઃ ગાયની હેરાફેરી કરતા લોકોની કથિત ગૌરક્ષકોએ કરી ધોલાઈ, 1નું મોત Alwar

અલવર. ખુદને ગૌરક્ષા સાથે સંકળાયેલા ગણાવીને કેટલાંક લોકોએ બે દિવસ પહેલાં અમુક લોકો પર હુમલો કર્યો હતો. જેમાં નિર્દયતાથી ફટકારવાના કારણે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના શનિવારની છે. આ મુદ્દે 15 જેટલા અજાણ્યા લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં ગૌ તસ્કરી થઈ શકતી નથીઃ ગૃહમંત્રી રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાએ જણાવ્યું કે, રાજસ્થાનમાં ગૌવંશની તસ્કરી ન થઈ શકતી હોવાનો કાયદો છે. કેટલાંક લોકો ગાયની તસ્કરી કરીને બીજા રાજ્યમાં લઈ જતા હોવાની અલવરમાં બનેલી ઘટનામાં એકનું મોત થયું છે. પોલીસે ગૌવંશની હેરાફેરી કરતાં લોકો અને તેમને મારનારા અજાણ્યાં લોકો સામે કેસ દાખલ કર્યો છે. આ મુદ્દે બંને પક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો છે. શું થયું હરિયાણાની રહેવાસી 15 લોકો છ ગાડીઓમાં ગાયોને ભરી જતા હતા. આ દરમિયાન બહરોડ નજીક તેમના પર હુમલો કરવામાં આવ્યો. હુમલા દરમિયાન 50 વર્ષીય પહલુ ખાનને ગંભીર ઈજા થઈ. સારવાર દરમિયાન સોમવારે તેમનું મોત થયું હતું. મૃતકે પશુ મેળામાંથી ખરીદી હતી ગાય મૃતક પહલુ ખાનના કાકા હુસૈન ખાને જણાવ્યું કે, પહલુ ખાન તેના દીકરા માટે ગાય ખરીદવા રાજસ્થાનના પશુ મેળામાં ગયો હતો. તેણે ગાય ખરીદ્યાના પુરાવા પણ બતાવ્યા, જેને ફાડી નાંખવામાં આવ્યા. પહલુએ ખરીદેલી ગાયો દૂઝણી હતી. જેમાંથી ઊંચી ઓલાદની બે ગાયોની કિંમત 85 હજાર અને અન્ય બે ગાયોની કિંમત 45 હજાર રૂપિયા હતી. હુમલાખોરોએ આ લોકો પાસે રહેલા રૂપિયા પણ આંચકી લીધા હતા. વીડિયોમાં શું છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં કહેવાતા ગૌરક્ષકો પિક-અપ ગાડીમાં તોડફોડ કરીને ગાયને લઈ જતાં લોકોને ફટકારતા હોવાનું જોવા મળી રહ્યું છે. પોલીસનું શું કહેવું છે પોલીસના કહેવા મુજબ, આ મુદ્દે પહલુ ખાન અને તેના અન્ય સાથીઓએ ગાય ખરીદ્યા સંબંધી દસ્તાવેજો રજૂ કર્યા હોવા છતાં તેમને મારવામાં આવ્યા. સ્થાનીક બહરોર પોલીસના જણાવ્યા મુજબ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ગૌરક્ષકોએ શનિવારે નેશનલ હાઈવે-8 નજીક જગુઆસ ક્રોસિંગ પાસે આ ગાડીઓને રોકી. આ લોકોએ ગેરકાયદેસર ગાયની હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ વાહનો જયપુરથી હરિયાણાના નૂહ જિલ્લા તરફ જઈ રહ્યા હતા. મંગળવારે બોડી સોંપવામાં આવી કથિત ગૌરક્ષકોના હુમલામાં ઘાયલ થયેલા 5 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી પહેલુ ખાનનું અલવરની એક હોસ્પિટલમાં સોમવારે મોત થયું હતું. પોસ્ટ મોર્ટમ બાદ મંગળવારે તેની બોડી પરિવારજનોને સોંપવામાં આવી હતી. હુમલાખોરો સ્થાનિક લોકો હતો, જેમની ઓળખ વીડિયો દ્વારા કરવામાં આવી રહી છે.