સુરતના પટેલ દંપતીનો મહેસાણામાં આપઘાત, મળી 5 પાનાની સુસાઈડ નોટ Gujarat

મહેસાણા:અંકલેશ્વરમાં આવેલી 11 વીઘા જમીન બાબતે થયેલી છેતરપીંડીથી હતાશ સુરતના લોખંડના વેપારીએ મંગળવારે મહેસાણાની સાગર સોસાયટીમાં રહેતા ભાઇના બંગલાના પ્રથમ મજલે રૂમમાં પત્ની સાથે ગળે ટૂંપો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. 2 મહિનાની રઝળપાટ દરમિયાન જમીન દલાલોની ધમકીઓ અને સ્થાનિક ઓળખાણો વચ્ચે ન્યાય મળવો અશક્ય જણાતાં આ પગલુ ભર્યું છે. બી ડિવિજન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સુરતમાં કામરેજ રોડ પર આવેલા દાદા ભગવાન કોમ્પલેક્ષમાં રહેતા અને લોખંડનો વેપાર કરતા મૂળ મહેસાણાના સુરેશભાઇ ભવાનભાઇ પટેલ સોમવારે પત્ની અને પુત્ર ચિંતન સાથે મહેસાણાના રાજકમલ પેટ્રોલપંપની પાછળ આવેલી સાગર સોસાયટીમાં રહેતા નાનાભાઇ ભરતભાઇના ઘરે આવ્યા હતા. મંગળવારે બપોરે 3 વાગે મકાનના ઉપરના માળે રૂમમાં જોરથી ખુરશી ખખડવાનો અવાજ આવતાં ચિંતન ઉપર દોડી ગયો હતો અને રૂમનો દરવાજો ખોલતાં લોખંડની એંગલમાં દોરડું ભરાવી માતા-પિતાની લટકતી લાશ જોઇ ચીસ પાડી ગયો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરાઇ હતી. મૃતકના સ્વહસ્તે લખાયેલી સુસાસાઇડ નોટ જોતાં તેમની અંકલેશ્વરમાં આવેલી 11 વીઘા જમીનમાં થયેલી છેતરપીંડી બાદ બે મહિનાથી ન્યાય માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઇ કંટાળી જઇ આપઘાત કર્યાનું મનાય છે.