બાંગ્લાદેશમાં આતંકીઓ વિરૂદ્ધ મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 9 આતંકી ઠાર 2 જીવતાં પકડાયાં ઢાકાઃ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના એક વિસ્તારમાં પોલિસે આજે વહેલી સવારે છાપો મારી 9 શંકાસ્પદ આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો હતો. જ્યારે 2 આતંકીઓની ધરપકડ કરી હતી. પોલિસની ખાસ ટીમે ઢાકાના કલ્યાણપુરી વિસ્તારમાં આજે પરોઢીયે કરેલા ખાસ ઓપરેશનમાં આતંકવાદ સામે લડવામાં મોટી સફળતા મળી હતી. પોલિસને મળેલ અહેવાલ અનુસાર જ્યારે આતંકવાદ વિરોધી દળની ખાસ ટૂકડી સ્થળ પર પહોંચી તો આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો. જે બાદ એક કલાક સુધી ચાલેલા સામસામા ફાયરિંગમાં પોલિસને જમાત ઉલ મુજાહિદીનના લાગતા કેટલાક સભ્યોને ઠાર કરવામાં સફળતા મળી હતી. તો 2 જેટલા આતંકીઓને જીવતા પકડવામાં આવ્યા હતા. ઓપરેશનમાં સામેલ એક પોલિસ અધિકારીના જણાવ્યા મુજબ આતંકવાદીઓ કાળા કપડાં પહેર્યા હતા અને તેઓ થોડી થોડી વારે ‘અલ્લાહૂ અકબર’ ના નારા લગાવતા હતા. તેમણે વધુમાં કહ્યું કે ઘટનાસ્થળથી અમે બે વ્યક્તિની ધરપકડ કરી છે. જેમાંથી એકને ગોળી લાગી હોવાથી ઇજાગ્રસ્ત છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના ભૂતકાળમાં બાંગ્લાદેશમાં ઇસ્લામિક આતંકવાદીઓએ કેટલાક ઘાતક હુમલા કર્યા છે. જેમાં ઢાકાના રેસ્ટોરાંમા કરવામાં આવેલ હુમલા બાદ બાંગ્લાદેશની સરકારે આતંકવાદીઓ વિરૂદ્ધ ખાસ ઓપરેશન લોંચ કર્યું છે.