ફ્રાન્સના ચર્ચમાં છરા સાથે ઘૂસેલા બંને હુમલાખોરને પોલીસે ઠાર કર્યા; બંધક પાદરીનું મોત પેરિસ – ઉત્તરીય ફ્રાન્સના નોર્મેન્ડી પ્રદેશના એક નગરમાં આવેલા એક ચર્ચમાં આજે બનેલી એક ઘટનામાં બે શખ્સ છરા સાથે ઘૂસી ગયા હતા અને કેટલાક લોકોને બંદી બનાવ્યા હતા. સૈન્ટ-ઈટેની-ડુ-રુવરમાં ચારથી છ હુમલાખોરોએ ત્રાટકીને ચર્ચના પાદરી, બે સિસ્ટર તથા શ્રદ્ધાળુઓને બાનમાં પકડ્યા હતા. પોલીસે ત્વરિત પગલું લઈને બંને હુમલાખોરને ઠાર કરી દીધા હતા અને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ હુમલાખોરોએ 84 વર્ષીય પાદરી – ફાધર જેક હેમલનું ગળું ચીરીને હત્યા કરી હતી. હુમલાખોરોએ એક અન્ય બંધકને ગંભીર રીતે ઈજા પહોંચાડી છે. લાઈવ ટીવી દ્રશ્યોમાં જોવા મળ્યું હતું કે પોલીસે ચર્ચની આજુબાજુના રસ્તાઓ કોર્ડન કરી દીધા હતા. એમ્બ્યુલન્સ પણ તે સ્થળે આવી પહોંચી હતી. હુમલાખોરોની રાષ્ટ્રીયતા અંગે કે હુમલા પાછળના એમના ઈરાદા વિશે તત્કાળ કોઈ વિગત પ્રાપ્ત થઈ નહોતી. ફ્રાન્સના વડાપ્રધાન મેન્યૂઅલ વોલ્સે આ હુમલાને અધમ કૃત્ય તરીકે ગણાવ્યો છે અને કહ્યું છે કે તમામ કેથલિક લોકો અને સમગ્ર ફ્રાન્સ માટે આ મોટા ફટકાસમાન છે. ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્કોઈસ હોલાંદ પણ ઘટનાસ્થળની મુલાકાતે જવા રવાના થઈ ગયા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં એમણે કહ્યું હતું કે આ કૃત્ય ઈસ્લામિક સ્ટેટ ગ્રુપના સભ્યોનું હોવાનું મનાય છે.

intenatinol