નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા-રાહુલને HCનો ઝટકો, IT તપાસની મંજૂરી New Delhi

નવી દિલ્હી. નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને દિલ્હી હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે આ મુદ્દે ઈન્કમ ટેક્સ તપાસનો માર્ગ મોકળો કરી દીધો છે. ગાંધી પરિવાર આ ફેંસલા સામે સુપ્રીમ કોર્ટમાં જાય તેવા અહેવાલ છે. ગાંધી પરિવાર વતી કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવશે. યંગ ઈન્ડિયાના એકાઉન્ટની થશે તપાસ યંગ ઈન્ડિયન લિમિટેડ કંપનીમાં સોનિયા અને રાહુલનો હિસ્સો છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હવે યંગ ઈન્ડિયાના ખાતામાં કરવામાં આવેલી કથિત હેરાફેરીની તપાસ કરશે. આઈટી સોનિયા અને રાહુલની પૂછપરછ પણ કરી શકે છે. શું છે મામલો? ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડે કેસ કર્યો છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નેશનલ હેરાલ્ડ અખબારના ફન્ડમાં ગેરરીતિના આરોપસર કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સમન્સ જાહેર કર્યાં હતા. નેશનલ હેરાલ્ડ અખબાર 2008માં બંધ થઈ ગયું છે. આ કેસની સુનાવણીમાં આજે હાઈકોર્ટે ઈન્કમ ટેક્સ તપાસ કરવાની મંજૂરી આપી છે. 1938માં શરૂ થયું હતું અખબાર નેશનલ હેરાલ્ડ અખબાર દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 1938માં શરૂ કરાવ્યું હતું. 2008માં તે બંધ કરી દેવાયું હતું. સુબ્રમણ્યમે આક્ષેપ કર્યો છે કે સોનિયા અને રાહુલ ગાંધીએ વિશ્વાસ ભંગ કર્યો છે. સ્વામીએ કહ્યું કે કોંગ્રેસે 26 ફેબ્રુઆરી, 2011ના રોજ ધ એસોસિયેટ જર્નલ્સ લિમિટેડ(ટીએજેએલ) પર 90 કરોડ રૂપિયાનું દેવું હતું, જે કોંગ્રેસે તેના પોતાના પર લીધું. ત્યાર બાદ માત્ર 50 લાખ રૂપિયામાં યંગ ઈન્ડિયા કંપનીમાં ફ્રેશ શેર લીધા અને સંપૂર્ણ નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું. કંપની યંગ ઈન્ડિયનમાં સોનિયા અને રાહુલનો 38-38 ટકા હિસ્સો છે. બાકીનો હિસ્સો મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિઝ પાસે સરખા પ્રમાણમાં છે. શું છે આક્ષેપ? સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે હેરાલ્ડ હાઉસને અખબાર ચલાવવા માટે જમીન આપી હોવાથી તેનો વ્યાવસાયિક હેતુ માટે ઉપયોગ કરી શકાય નહીં, આમ છતાં પાસપોર્ટ સેવા કેન્દ્રનું સંચાલન હેરાલ્ડ હાઉસથી જ થઈ રહ્યું છે.