હવે તમે વોટ્સએપથી કરી શકશો સરળતાથી પૈસાની લેવડ-દેવડ None

વોટ્સએપ ટૂંક સમયમાં જ ભારતમાં પમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવા જઈ રહી છે. આવી રહેલા સમાચારો અનુસાર આ પેમેન્ટ સિસ્ટમ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યૂપીઆઈ) પર આધારિત હશે. નોટબંધી બાદ કેશલેસ સુવિધા માટે સરકારે ભીમ એપ જેવી સર્વિસની શરૂઆત કરી હતી. તે ઉપરાંત પણ કેશલેસ સર્વિસને પ્રોત્સાહન આપવા માટે મોબાઈલ વોલેટ અને ડિજિટલ પેમેન્ટ એપ દ્વારા પણ નવા ફિચર અને સુવિધાઓની શરૂઆત કરવામાં આવી હતી. આ સિરીઝમાં સેમસંગે પણ ભારતમાં પોતાની ડિજિટલ સર્વિસ પુરી પાડતી એપ ‘સેમસંગ પે’ લોન્ચ કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર વોટ્સએપ યૂપીઆઈ અને આધાર પેમેન્ટના ક્ષેત્રમાં હેડ ઓફ ડિજિટલ ટ્રાન્જેક્શનની શોધ કરી રહ્યું છે. આનાથી અંદાજ લગાવી શકાય છે કે, વોટ્સએપમાં ટૂંક સમયમાં જ પેમેન્ટ ઈનેબલ મેસેજિંગ સર્વિસ શરૂ થઈ શકે છે. વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે, ભારત અમારા માટે મહત્વપૂર્ણ દેશ છે. અમે ઈચ્છીએ છીએ કે, ભારતના ડિજિટલ ઈન્ડિયા વિજનમાં અમે પણ સહયોગ કરીએ. વોટ્સએપની આ નવી સર્વિસ દેશમાં પહેલાથી ઉપલબ્ધ પેમેન્ટ સર્વિસ જેવી કે, એન્ડ્રોઈડ પે અને એપલ પેને ટક્કર આપી શકે છે. ભારતમાં વોટ્સએપ યુઝર્સની સંખ્યા 200 મિલિયન છે જ્યારે દુનિયાભરમાં 1.2 બિલિયન એક્ટિવ યુઝર્સ છે. વોટ્સએપનો ઉપયોગ વિશ્વના લગભગ 109 દેશો કરી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે વોટ્સએપની પેમેન્ટ સિસ્ટમ મોબાઈલ વોલેટ જેવી હશે. મોબાઈલ વોલેટ કંપની પેટીએમના ભારતમાં 200 મિલિયન વોલેટ યુઝર્સ છે. આરબીઆઈ ઈચ્છે છે કે, બધી જ વોલેટ કંપનીઓ એકબીજા સાથે લેવડ-દેવડ કરી શકે. હાલ એક વોલેટમાંથી બીજા વોલેટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવી શકતા નથી. તમને જણાવી દઈએ કે, ફેસબુકે અમેરિકામાં પોતાના ફેસબુક મેસેન્જર એપમાં પેમેન્ટ સર્વિસનું ઓપ્શન શરૂ કરી દીધું છે. આ સર્વિસ ટૂંક સમયમાં ઈન્ડિયામાં પણ લોન્ચ કરવામાં આવશે. સ્વીડેનની કંપની ટ્રૂકોલર પણ પોતાની પેમેન્ટ સર્વિસ ભારતમાં લોન્ચ કરી ચૂકી છે. આ માટે ટ્રૂકોલરે ICICI સાથે કરાર પણ કર્યો છે.